Corona: હાહાકાર મચાવતા જીવલેણ કોરોનાને રસી વગર પણ હરાવી શકાય!, જાણો શું કહ્યું WHOએ?

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે યુરોપ અને દુનિયાના અન્ય દેશ વેક્સિન વગર પણ કોવિડ-19 પર નિયંત્રણ મેળવી શકે છે. 

Corona: હાહાકાર મચાવતા જીવલેણ કોરોનાને રસી વગર પણ હરાવી શકાય!, જાણો શું કહ્યું WHOએ?

લંડન: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે યુરોપ અને દુનિયાના અન્ય દેશ વેક્સિન (Vaccine)  વગર પણ કોવિડ-19 પર નિયંત્રણ મેળવી શકે છે. પરંતુ તેમણે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવું પડશે. WHOના યુરોપના ડાઈરેક્ટરે કહ્યું કે તેમને નથી લાગતું કે અહીં રાષ્ટ્રીય સ્તર પર લોકડાઉન સફળ રહ્યું છે પરંતુ જ્યાં સંક્રમણ ફેલાવવાનું  સૌથી વધુ જોખમ છે ત્યાં તેની વધુ જરૂર છે. આ બાજુ ઈટાલીના વૈજ્ઞાનિકોએ પણ દાવો કર્યો છે કે કોરોના સંક્રમિત દર્દીને વાયરસથી પીછો છોડાવતા ઓછામાં ઓછો એક મહિનો લાગે છે. 

વિશ્વ આરોગ્ય સંગઠનના યુરોપના ક્ષેત્રીય ડાઈરેક્ટર હેન્સ ક્લૂગે સ્કાય ન્યૂઝને કહ્યું કે જ્યારે આપણે મહામારી પર જીત મેળવીશું, ત્યારે જરૂરી નથી કે તે વેક્સિનથી જ શક્ય બને. આવું આપણે ત્યારે જ કરી શકીશું જ્યારે આપણે મહામારી સાથે જીવતા શીખી જઈશું અને આપણે આમ કરી પણ શકીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આવનારા મહિનાઓમાં સંક્રમણની સેકન્ડ વેવથી બચવા માટે ફરીથી મોટા પાયે લોકડાઉન લગાવવું પડી શકે છે તો તેમણે કહ્યું કે ના. મને આશા છે કે તેની જરૂર નહીં પડે. પરંતુ સ્થાનિક સ્તરે લગાવવામાં આવતા લોકડાઉનની શક્યતાઓને નકારી શકાય નહીં. 

એક મહિનામાં ખતમ થાય છે વાયરસની અસર
ઈટાલીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના સંક્રમિત દર્દીને સંપૂર્ણ રીતે વાયરસરહિત થતા ઓછામાં ઓછો એક મહિનો લાગે છે. આથી પોઝિટિવ આવે ત્યારબાદ એક મહિના પછી જ બીજીવાર ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે જણાવ્યું કે પાંચ નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટમાં એક ખોટું હોય છે. ઈટાલીના મોડેના એન્ડ રિજિયો એમિલિયા યુનિવર્સિટીના ડો.ફ્રાન્સિસ્કો વેન્તુરેલી અને તેમના સાથીઓએ 1162 દર્દીઓ પર અભ્યાસ કર્યો છે. 

જેમાં કોરોના દર્દીઓના બીજીવાર ટેસ્ટિંગ 15 દિવસ બાદ, ત્રીજીવાર 14 દિવસ બાદ, અને ચોથીવાર 9 દિવસ બાદ કરવામાં આવ્યાં. જેનાથી જાણવા મળ્યું કે પહેલા જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યાં તેઓ ફરીથી પોઝિટિવ આવ્યાં. સરેરાશ પાંચ લોકોના નેગેટિવ ટેસ્ટમાંથી એકનું પરિણામ ખોટું હતું. અભ્યાસ મુજબ 50 વર્ષ સુધીના લોકોને 35 દિવસ, 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાજા થતા 38 દિવસ લાગે છે. 

નેપાળમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ
આ બાજુ નેપાળના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રાજધાની કાઠમંડૂ સહિત 12 જિલ્લાઓમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. આ 12 જિલ્લાઓમાં 73 ટકા એક્ટિવ કેસ છે. આ જિલ્લા મોરાંગ, સુનસરી, ધનુસા, મહોતરી, પરસા, બારા, હૌતહત, સરલહી, કાઠમંડૂ, લલિતપુર, ચિતવ અને રૂપનદેહી છે. આ તમામ હોટસ્પોટ બની ચૂક્યા છે. નેપાળમાં અત્યાર સુધીમાં 40529 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 239 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news